આર્ય કન્યા ગુરુકુળ સંકુલ પોરબંદર
પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ વેદ ભણવાના અધિકાર, જાતિ-પ્રાંતિના ભેદભાવ વિનાનો સમાજ તેમજ છૂતાછૂત અને ધર્મના નામના આડંબરોમાંથી મુક્ત એવું આર્ય કન્યા ગુરુકુળ કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લાં 75 થી પણ વધુ વર્ષથી અનન્ય યોગદાન આપી રહેલ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થાન – પોરબંદરમાં લગભગ 90 એકરની તપોભૂમિમાં સાદા છતાં ગૌરવભર્યા ઘુમ્મટોથી શોભતા આર્ય કન્યા ગુરુકુળના શિક્ષા મંદિરો પથરાયેલ છે.
પ્રાતઃકાળે કે સંધ્યાકાળે અચાનક પહોંચી ગયેલા દર્શકોને બ્રહ્મચારીણીઓ ધ્વારા થતા વેદગાન અને યજ્ઞ-ધૂપથી પવિત્ર થયેલું વાતાવરણ સ્પર્શયા વિના રહી નથી શકતું. કાર્યક્રમોના આરંભમાં કન્યાઓ ધ્વારા થતો સસ્વર વેદપાઠ, ધનપાઠ કે જટાપાઠ મંત્રદ્રષ્ટા ઋષિઓના આશ્રમોના તેજસ્વી ભૂતકાળને વર્તમાનમાં ફેરવી નાખીને સદૃશ્યો મંત્રમુગ્ધ કરી દેતો પ્રાપઃ સહુએ અનુભવ્યો છે. ‘નમસ્તે’ નાં મીઠા રણકારથી સ્વાગત પામતાં અતિથિઓએ તીર્થયાત્રાએ આવ્યાની ધન્યતા અનુભવી છે. આમ વર્તમાનની પશ્ચિમના અંધઅનુકરણની દોડ વચ્ચે સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિના સનાતન મૂલ્યો સાચવતા આ ગુરુકુળમાં સેંકડો બહેનો નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર અભ્યાસ કરી રહી છે. જ્યારે વિતેલા 75 વર્ષ દરમ્યાન 30,000 થી વધુ દીકરીઓ આ ગુરુકુળમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિના પાન કરીને દેશ-વિદેશમાં સંસ્કાર-દીવડીઓ થઈને વસી ગઈ છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ થી લઈને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલ તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાનો પંડિત જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, રાજીવ-સોનિયા ગાંધી, પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ધર્મગુરુ શંકરાચાર્ય અને દલાઈલામા જેવા અનેક વૈશ્વિક મહાનુભાવો જેના આંગણે અતિથિ બની ચૂક્યા છે એવું પોરબંદરનું આર્ય કન્યા ગુરુકુળ વિદેશી સંસ્કૃતિના વાવાઝોડા સામે હજી પણ ભારતની પ્રાચીન પરંપરાઓ અને સ્વર્ણિમ ઇતિહાસને સાચવતું અડીખમ ઊભું છે.
ધોરણ 5 થી 12 સુધીના આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સના અભ્યાસ વર્ગો સાથેની આ આશ્રમિક સંસ્થામાં બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 તેમજ 12 ની પરીક્ષાઓમાં ગુરુકુળની છાત્રાઓનું પરિણામ લગભગ 99 થી 100 ટકા જેટલું આવે છે. આ ઉપરાંત ભારતની અન્ય નામાંકિત સંસ્થાઓ દ્વારા લેવાતી હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ તેમજ સંગીતના વિષયોની પરીક્ષાઓમાં પણ ગુરુકુળ છાત્રાઓ સદાય મોખરે રહે છે.
ગુરુકુળ મહિલા કોલેજ, સંતોકબા વિદ્યામંદિર, સંતોકબા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ
ધોરણ 12 બાદ આર્ટસ તેમજ કોમર્સમાં સ્નાતક થવા માટે ગુરુકુળ મહિલા કોલેજમાં આશ્રમિક વ્યવસ્થા ઉપરાંત બિન આશ્રમિક બહેનો પણ અભ્યાસ કરી શકે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ છે. જ્યારે જૂન 2006 થી શહેરની વિદ્યાર્થીનીઓ માટે કે.જી. થી 12 ધોરણ માટે ડે-સ્કૂલ ‘સંતોકબા વિદ્યામંદિર’ નો આરંભ તેમજ જૂન 2012 થી શ્રી સંતોકબા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલનો પ્રારંભ થયેલ છે. આમ કે.જી. થી કોલેજ સુધી સર્વાંગી શિક્ષણ ગુરુકુળ તપોભૂમિમાં જ ઉપલબ્ધ છે.
ઇત્તર પ્રવૃતિઓ
ગુરુકુળમાં અન્ય શાળાઓની જેમ જ નિર્ધારિત અભ્યાસક્રમ, કમ્પ્યુટરની તાલીમ વગેરે ખરું જ. તદ્ઉપરાંત નીતિ શિક્ષણ ભણાવવામાં આવે છે જેથી એક ઉમદા માનવી બનવાના ગુણો બહેનોમાં વિકસે. ઉપનિષદ અને વૈદિક શાસ્ત્રોના અભ્યાસનું પણ એટલું જ મહત્ત્વ. શારીરિક શિક્ષણ અન્વયે કન્યાઓને પ્રાણાયામ અને યોગાસનો ઉપરાંત અનેક પ્રકારની અંગકસરતો, ભાલાફેંક, તલવારબાજી, છરાફેંક, લાઠીદાવ, ધનુષવિદ્યા જેવી તાલીમ આપવામાં આવે છે. આજના સમયમાં સ્ત્રીઓ બહારના ક્ષેત્રમાં કામ કરતી થઈ હોવાથી સુરક્ષા અંગે વધુ જાગૃત થવું જરુરી બન્યું છે આથી કરાંટે, કૂંગફૂ જેવી તાલીમ પણ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. ગુરુકળમાં એન.સી.સી.ની તાલીમ પામેલી છાત્રાઓ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ માટે પણ અનેકવાર પસંદ થઈ છે. અભ્યાસ ઉપરાંત ગીત-સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકામ, સીરેમીક સહિતની અનેકવિધ કલાઓ શીખવા માટેની અત્રે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. જ્યારે કન્યાઓ એક સારી ગૃહિણી બની શકે તે માટે રસોઈ, ભરત-ગુંથણ જેવી અનેક ધનિષ્ઠ તાલીમો દ્વારા આ સંસ્થા તેની છાત્રાઓનું સર્વાંગી ઘડતર કરી સમાજને શ્રેષ્ઠ નારીરત્નોની ભેટ આપતી રહી છે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
સાંસ્કૃતિક કાર્યક્રમો ગુરુકુળના પ્રાણ સમા છે. બધા જ ધાર્મિક, સામાજિક તહેવારોની ઉજવણી રસપ્રદ કાર્યક્રમો દ્વારા ઉલ્લાસભેર થાય. ગુરુકુળના ચરણે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા ડૉ. સવિતાદીદી – એક આજીવન કલાસાધિકા હતા. મણિપુરી નૃત્યમાં ભારતના પ્રથમ મહિલા નૃત્યાચાર્ય બનનાર સવિતાદીદીનું જીવન ધ્યેય એ જ હતું કે ગુરુકુળને વટવૃક્ષ બનાવવું અને વિવિધ કલાઓથી એને અજવાળવું. અનેક નૃત્યનાટિકાઓ અને ઉચ્ચ કોટિના સાંસ્કૃતિક કાર્યક્રમો એમણે સમાજને આપ્યા છે. ગુરુકુળની છાત્રાઓ દ્વારા ભજવાયેલ સત્યવાન – સાવિત્રીના જીવન પર આધારિત ‘મૃત્યુ પર વિજય’ નૃત્ય નાટિકાના પ્રયોગો પોરબંદર, અમદાવાદ, મુંબઈ ઉપરાંત વિદેશની ધરતી પર – ઇંગ્લેન્ડમાં છ અને પૂર્વ આફ્રિકામાં દસ કાર્યક્રમો અભૂતપૂર્વ સફળતાને વર્યા હતા.
જ્યારે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના નેતૃત્ત્વ હેઠળ યોજાયેલ સાંદીપનિ મંદિર મહોત્સવ વેળાએ 35,000 થી પણ વધુ રસિકજનોની ઉપસ્થિતિ વચ્ચે પ્રસ્તુતિ પામેલ આ નૃત્ય નાટિકાએ સહુ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રશંસા પામેલ નૃત્ય નાટિકા ‘સોળ સંસ્કાર’ ની મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર તેમજ પોરબંદરમાં થયેલ પ્રસ્તુતિ પ્રશંસનીય બની હતી.
ઘણા વર્ષો પછી પણ ગુરુકુળ તપોભૂમિની મુલાકાતે દેશ-વિદેશથી આવતી કેટલીયે કુલપુત્રીઓને પોતાના પતિ અને બાળકોની સામે જ કુલભૂમિને વંદન કરતી અને ત્યાંની રજની પોટલી શ્વસુરગૃહે લઈ જઈ જોઈને એમના ગુરુજનોની ભીની થતી આંખો ગુરુકુળના નામને આજે પણ સાર્થક કરતી રહી છે.